Bachpan : બાળપણ – દીપા દેસાઈ
બાળપણ
હિંચકાને ઠેસ મારી,
ઉપર નીચે.. આવર્તન,
કૂદકો મારી “કોઈ” સાથે બેઠું.
આગળ પાછળ આંદોલન,
અમે..તો પુરજોશમાં ઝૂલતાં’તા…
કલાત્મક કડાં ને સળિયા પણ સંમોહિત….
ને પછીનાં લયમાં…
હિરની દોરી..ઝૂલે દુલારી..
રાણીબેટીને નિંદરરાણી….
રાતરાણીની મ્હેંક ટોળે વળી, મોગરાને માથે ખોસ્યો,
મધુમાલતીની વીંટી બનાવી..બોગનવેલનો કાંટો ખૂંચ્યો ને સૂઘ્યું પારિજાત.
“શમણું” તો ન્હોતું પણ..
” કોઈ”માં “કંઈક” માણેલું ..એ ગમતું હતું.
પછી એ “કોઈ ગમતીલાં”એ પૂછયું
‘આ ગાય કોની? ‘ને ગોવાળીયાને શોધતાં ગલગલીયા થયાં.. ચાંદામામા પોળી ને ધીમાં ઝબોળી “હાપ્પા” કર્યું…. અને
નાની મારી આંખ એ તો જોતી કાંકકાંક. . ., એક બિલાડી જાડી…, ઓ ઈશ્વર ભજીએ તને… મોટું છે તુજ નામ .આ બધું મોટે..મોટે… થી ગાયું…,
લીલીપીળી બદામનો લાલ…
કેસરિયાળો કેરીનો, જાંબુડીયો જાંબુનો, કથ્થાઈ -સફેદ-ગુલાબી ગોરસઆમલીનો , પીળુંડી રાયણનો. . ને ફાલસા ,કાતરા, કોઠાનાં ખટમીઠા રંગ-રસ ઘોળ્યા.. સર્કસ, કઠપૂતળી ને માંકડાનાં ખેલ જોયા… ફુગ્ગાઓ લીધાં, પીપૂડા વગાડયાં, દેડકાં બોલાવ્યાં ને ભમરડાં ય ફેરવ્યા..
ત્યાંતો”કોઈ કલરવતું” ભાળ્યું..
નદી કિનારે ટામેટુ ને કાગડા ય કઢી પીવા આવ્યાં.. ભાડાની સાયકલ લીધી.. ચોકલેટ ઑરેન્જ બરફ ગોળો , લાલકેરી,મીઠી આમલી, આથેલાં આમળા, મસાલા ચણીબોર ચાખ્યાં,.માંદા પડ્યા તો રંગબેરંગી ગોળીઓ સંગે શીશીની ગુલાબી યે માણી… પડ્યા આખડયા ટીંચર છાંટી રૂ બાળી દોડ્યા. .. પાંચ્યાની પાણીપુરી, ટીનટીન… દસીયાની અડધીમાં ચારેય દિશામાં સરક્યુલર રૂટમાં ફર્યા.. પાંચધાન ને સાતધાન છાબડીમાં રોપ્યા ને પૂજ્યા.. ‘મીઠું’ છોડી કાજુ દ્રાક્ષ ને કેટલુંય ખીસ્સે ભર્યું વળી…લીલી તે મેહેંદીનાં રાતા રંગ હથેળીમાં ચીતર્યા…
આટાપાટા,આઇસપાઈસ,
ચોર-પોલીસ, ખેંચમતાંણી ને આંધળાનો ગોળીબાર,
નાગોળચુચું ને લંગસીયું..
લાખોટીની હાથોટીને, લંગડીમાં દોડીને…… પગલે પગલે પકડીને કાંકરે ને પથરે પગથિયામાં ઘર માંડ્યા.આંગળીઓનાં ઈશારે “સ્ટેચ્યું” માં ખડખડાટ હસ્યાં,હથેળીથી થપ્પો ને હાથતાળીથી.. સાતતાલીમાં.. લીમડે, પીપળે,વડલે છુપાયા. “TimePlease” નું તો ક્યાં ભાન જ રહ્યું ? તો..ય ટેમ્પલીસને અંચાઈ, કાચ્ચુંલીંબુ ને પાક્કુંલીંબુ કરતા દાવ પર દાવ ખેલ્યાં કીટ્ટા બુચ્ચા થયાં….
ડુંગર ઉપર આગ લાગી દોડો ભાઈ.. દોડો ..કરતા ભેગા થયાં ને સાંકળી માં બંધાયાં … ,ઉભી ખો ,બેઠી ખો, ખોખો બોલી ધક્કો માર્યો…ને ગિલ્લી નો ખાડો ખોદી દંડે ઉછાળ્યો…
સાપસીડી ને વ્યપારમાં ફૂંકરી ફેંકી ચઢ્યા ઉતર્યા ને કાળા ધોળા હાથી ઘોડા વજીરની ચાલમાં સેના સંગે “ચેક” બોલી જીત્યા, રાજા રાણી ગુલામ જોકરમાં એક્કાનું પત્તુ આપણું…
નવરાત્રિમાં માતાજીની સામે ફેરફૂંદરડીએ ફર્યા ને કૂકછૂક કૂકછૂક છુકછુકગાડીઓ દોડાવી… માટીનાં ‘મોલ્લા’ માતાને કોડીઓની આંખો ચઢાવી…. આરતી ને પ્રસાદ લઈ મહોલ્લામાં ફરી આવ્યા…
કાપ્યો છે ને પકડયો જ છે..માં કિન્યા બાંધવા કરતા લાકડીઓ ભેગી કરી સુતળીઓ બાંધી ઝંડા બનાવવા ઝાંખરા પણ વીણ્યાં.. હોળી ધુળેટીમાં ઘેરૈયા બની ઘૂમ્યાં.. ,દિવાળી ની આગોતરે પત્થરોથી ટિકડીઓ ફોડી જાણે કે “પોખરણ”નો ધડાકો કર્યો… “સાલમુબારક” કહી , ચરણસ્પર્શમાં તો આખ્ખો..ય માટીનો ગલ્લો ભરાઈ ગયો પછી તો કાનુડાની મટકીની જેમ ફોડયો ને ઉજાણી મનાવી.ચકલીએ થી પાણી પીતાંપીતાં ..બોલી જવાયું ચકી ચકી પાણી પીવા આવ.. બોલ્યાં ત્યાંતો “સ્લેટ” નું પાણી ઉડી ગયું.. આવ રે વરસાદ ની ખુશીમાં ઊનીઊની રોટલી ને કારેલાનું શાક ખાધું…ભીનીમાટીમાં કિલ્લાઓ બાંધ્યા… “ઘરઘર”માંતો મમ્મી જેવી મહારાણી ને સાતસમંદર પાર અમારી જાહોજલાલી…લ્યો, આતો “કોઈ” ની સાથે ઝૂલતાં ઝૂલતાં અમે તો, વાતો એ વળગ્યા… એક જોરદાર ઠેસ .. હિંચોક ય ઉછળ્યો… ને બેઠેલું “કોઈ” અદ્રશ્ય…
પણ હતું તો.. “સાચકલું કોઈ”.. ઠેસ મારવાનું બંધ… ધીમીગતિમાં હું ને હિંચકો.. અને એ. ..” કોઈ” તો મને જ વિટાળાયેલું… અરે!આ તો, અલબેલું.. “બાળપણ”
અમે તો મસ્તમજાનું… ઝૂલતાં ઝૂલતાં હિલોળે ચઢયા હતાં. હવે અટક્યા, પણ રમવાનું મળવાનું વાગોળવાનું ” પ્રોમિસ” આપીને… દે તાલ્લી..
આપની દોસ્ત -દીપા દેસાઈ.
सुप्रसिद्ध R J और गुजराती भाषा की
जानी मानी कवियित्री दीपा देसाई
कवियित्री दीपा देसाई की रचना सुनने के लिए नीचे youtube के link पर जाइए – संपादक