કવિ અને કવિતા – દીપા દેસાઈ Kavi Aur KAvita – Deepa Desai
પાણી રે પાણી
પાણી રે પાણી રૂપ તારું કેવું?
ગિરિશખરે હિમાચ્છાદિત સફેદ
શીતળતાનું શિવલિંગ
ભોળા અમરનાથ સ્વરુપ,
પાણી રે પાણી રૂપ તારું કેવું?
ધરતીમાં ઝીલાતું સરક તું ચાલતું
કિલકીલાટ હસતું રમતું
નિજાનંદ મસ્ત બાળસ્વરૂપ,
પાણી રે પાણી રૂપ તારું કેવું?
નિરંતર ખળખળ વહેતું..
મદમદતું નીર સરિતાનું,
પૂજનીય પવિત્ર માતાસ્વરૂપ.
પાણી રે પાણી રૂપ તારું કેવું?
અંધારે ઓસરતુંને
અજવાળે ઉછળતું
અમૃતમંથન ઉજવતું
ઉદાર ઉદધિ પિતા સ્વરુપ.
પાણી રે પાણી રૂપ તારું કેવું?
ઉષ્ણતામને વાદળોમાં બંધાતુ
નિજાકાર કાળુડિબાંગ સ્વરૂપ.
પાણી રે પાણી રૂપ તારું કેવું?
રસીલું સપ્તરંગીલું
મેઘ મલ્હાર થઈ વરસતું
વ્હાલ કરતું સાંવરિયા સ્વરૂપ.
પાણી રે પાણી રૂપ તારું કેવું?
નજીવુ વરસતું ના ભીંજાવતું
તરસાવતું તડપાવતું
વિરહી પ્રિયજનનાં અશ્રુસ્વરૂપ.
પાણી રે પાણી રૂપ તારું કેવું?
ધૂમધડાકા તડાકાભડાકા સાથે
વીજ સંગે ત્રાટકતું
ત્રિનેત્રી નટરાજ શિવસ્વરૂપ.
પાણી રે પાણી રૂપ તારું કેવું?
પૂછતાં પૂછાઈ ગયું.. માફ કરજે.
પાણી રે પાણી..
છાંટે છાંટે નીતરતું
છાલકે છાલકે છલકાતું
ખોબે ખોબે ઉભરાતું
ઘૂંટે ઘૂંટે મુજમાં સમાઈ ગયું ” તું”
પાણી રે પાણી.
“વરસાદી આલિંગન”
તમે ઝરમર ઝરમર, અમે તરબદર તરબદર, તમે રિમઝીમ રિમઝીમ અમે થનગન થનગન, તમે ધોધમાર મુશળધાર ને આપણૅ લથબથ લથબથ.
दीपा देसाई सुप्रसिद्ध RJ
और गुजराती भाषा की जानी मानी कवियित्री हैं